ગુજરાતી સાહિત્યસર્જકો નો પરિચય
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો વિષે બહુજ ઓછા લોકો ને જાણકારી છે. અહિયાં મેં ગુજરાત ના અમુક મહુજ લોકપ્રિય સાહિત્યકારો નો બહુજ ટુકમાં પરિચય આપ્યો છે. અને હું આસાહિત્યકારો ના પરિચય ના અમુક બીજા ભાગ બહુજ જલ્દી અહિયાં મુકીશ.
ઝવેરચંદ મેઘાણી
પરિચય
ઝવેરચંદ કાલીદાસ મેઘાણી (૧૭-૮-૧૮૯૭, ૯-૩-૧૯૪૭)કવિ, નવલકથાકાર, વાર્તાકાર, લોકસાહિત્યના સંશોધક-સંપાદક, વિવેચક, વર્તમાનપત્ર તથા સામયિકના પત્રકાર-સંપાદક, અનુવાદક.
જન્મસ્થળ ચોટીલા (જિ.સુરેન્દ્રનગર). વતન બગસરા (જિ.અમરેલી).
પ્રાથમિક શિક્ષણ રાજકોટ, દાઠા, પાળીઆદમાં. માધ્યમિક શિક્ષણ સ્વજનોને ઘરે રહી વઢવાણ કેમ્પ, બગસરા અને અમરેલીમાં. ૧૯૧૨માં મેટ્રિક. ૧૯૧૬માં અંગ્રેજી-સંસ્કૃત વિષયો સાથે જૂનાગઢની બહાઉદ્દીન કૉલેજમાંથી બી.એ. ભાવનગરની હાઈસ્કૂલમાં ખંડસમયના શિક્ષક તરીકે થોડો સમય કામ કર્યું. તે દરમિયાન એમ.એ.નો અભ્યાસ કરવાનો વિચાર કર્યો, પરંતુ કૌટુંબિક કારણોસર શિક્ષકની નોકરી અને અભ્યાસ છોડી કલકત્તામાં એલ્યુમિનિયમના કારખાનામાં અંગત મંત્રી તરીકે જોડાયા. ૧૯૧૯માં કારખાનાના માલિક સાથે ત્રણેક મહિના ઇંગલેન્ડ-પ્રવાસ. એ પછી બે વર્ષ કારખાનામાં નોકરી કરી પરંતુ વતનના આકર્ષણે ૧૯૨૧માં પાછા બગસરા આવ્યા. ૧૯૨૨માં ‘સૌરાષ્ટ્ર' સાપ્તાહિકના તંત્રીમંડળમાં જોડાયા ત્યારથી તેમનો પત્રકાર તરીકેના જીવનનો પ્રારંભ, ૧૯૨૬માં ‘સૌરાષ્ટ્રમાંથી છૂટા થયા.
૧૯૩૦માં સત્યાગ્રહ ચળવળમાં જોડાવા બદલ ખોટા આરોપસર બે વર્ષનો જેલવાસ. ૧૯૩૨માં ‘ફૂલછાબ' સાપ્તાહિકમાં જોડાયા, પરંતુ 'ફૂલછાબ'ને રાજકીય રંગે રંગવાનો નિર્ણય લેવાતાં તેમાંથી ૧૯૩૩માં છૂટા થયા અને મુંબઈ જઈ “જન્મભૂમિ’ દૈનિકમાં ‘કલમ અને કિતાબ' કૉલમના સાહિત્યપાનાનું સંપાદન. ૧૯૩૬માં બોટાદ આવી ફરી ‘ફૂલછાબ'માં જોડાઇને તંત્રી બન્યા.
૧૯૪૬માં રાજકોટ ખાતે ભરાયેલી ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના પ્રમુખ. ૧૯૨૮માં રણજિતરામ સુવર્ણચંદ્રક. ૧૯૪૬માં મહીડા પારિતોષિક. બોટાદમાં અવસાન. તેમના સાહિત્યસર્જન, વિવેચન અને લોકસાહિત્યના સંશોધનો - સંપાદનોમાં પહેલીવાર નિમ્નવર્ગીય લોકચેતનાનો અપૂર્વ બળકટ અવાજ પ્રગટયો છે. સમાજને છેવાડે ઊભેલા દલિતપીડિતની વેદનાનું સમસંવેદન ઝીલતી યુગચેતનાનો ધબકાર તેમની કવિતામાં જોવા મળે છે. સામાજિક સમસ્યાઓને આલેખતી તેમની નવલકથાઓની સાથે ‘સોરઠ તારા વહેતા પાણી' જેવી પ્રાદેશિક નવલકથા નોંધપાત્ર છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલે હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દૃષ્ટિને મુખ્ય અને સામાજિક દૃષ્ટિને ગૌણ રાખીને કર્યું.
બળવંતરાય ઠાકોર
પરિચય
બળવંતરાય કલ્યાણરાવ ઠાકોર : (૨૩-૧૦-૧૮૬૯, ૨-૧-૧૯૫૨)
જન્મ ભરૂચમાં. ૧૮૮૩માં મેટ્રિક. ૧૮૮૯માં ઇતિહાસ અને અર્થશાસ્ત્ર વિષયો સાથે સ્નાતક. ૧૮૯૧માં પૂના ડેક્કન કૉલેજમાં એમ.એ.ના અભ્યાસ માટે જોડાયા અને ૧૮૯૨માં ત્યાં ફેલો નિમાયા. ૧૮૯૩માં એમ.એ. થયા વગર જ કૉલેજ છોડી.
૧૮૯૫માં કરાંચીની ડી.જે.સિંધ આર્ટસ કૉલેજમાં ઇતિહાસ, લૉજિક અને મોરલ ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. ૧૮૯૬માં બરોડા કૉલેજમાં અંગ્રેજી સાહિત્ય, લૉજિક અને ફિલોસોફીના કામચલાઉ અધ્યાપક. એ જ વર્ષે અજમેરની સરકારી કૉલેજમાં ઇતિહાસ અને તત્ત્વજ્ઞાનના અધ્યાપક.
૧૮૯૯માં પૂનાની ડેક્કન કૉલેજમાં કામચલાઉ પ્રાધ્યાપકપદે નિયુક્તિ. ૧૯૦૨માં પુનઃ અજમેરમાં અધ્યાપક અને ઉપાચાર્ય બન્યા. ૧૯૧૪માં પૂનાની ડેક્કન કૉલેજમાં કાયમી અધ્યાપક તરીકે નિયુક્ત. ૧૯૨૪માં નિવૃત્ત થયા, પણ ૧૯૨૭ સુધી પૂના રહ્યા. ૧૯૨૮થી ૧૯૩૭ સુધી વડોદરા અને ૧૯૩૭થી આયુષ્યના અંત સુધી મુંબઈ રહ્યા. બ.ક. ઠાકોરની કાવ્યરીતિનો દીર્ધકાલીન પ્રભાવ એમની પછીની પેઢીએ ઝીલ્યો છે. નવી વિભાવના, સોનેટનું નવું સ્વરૂપ, લાગણીને સ્થાને વિચાર, સલતાની સામે અર્થઘનતા, પ્રાંસબંધ અને બ્લોકબંધની સાથે પ્રસરી જતી પંક્તિઓની પ્રવાહિતા - આ સર્વ પ્રવેશ પામ્યા. ગુજરાતીમાં પ્રાસહીન પદ્ય (બ્લેન્ક વર્સ)ની નિકટ જવા એમણે અગેય પૃથ્વી છંદ યોજયો. માત્ર સર્જન દ્વારા જ નહીં, પરંતુ શુદ્ધ (અગેય) પધ', 'કવિતાશિક્ષણ” તથા “નવીન કવિતા વિશે વ્યાખ્યાનો' જેવાં વિવેચનો કરીને તેમણે વિચારઘન કવિતાને પ્રજા સુધી પહોંચાડવાનો અથાક પુરુષાર્થ કર્યો છે.
ભગવતીકુમાર શર્મા
પરિચય
ભગવતીકુમાર હરગોવિંદ શર્મા (૩૧-૫-૧૯૩૪)
કવિ, નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, પત્રકાર-સંપાદક.
જન્મ સુરતમાં. ૧૯૫૦માં એસ.એસ.સી. ૧૯૬૮માં ગુજરાતી-અંગ્રેજી વિષયો સાથે બી.એ.
૧૯૫૫થી ‘ગુજરાત મિત્ર' દૈનિકના તંત્રીવિભાગ સાથે સંલગ્ન. ૧૯૭૭માં કુમારચન્દ્રક. ૧૯૮૪નો રણજિતરામ સુવર્ણચન્દ્રક. ૧૯૮૭નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર, કવિતા, ટૂંકી વાર્તા ચરિત્ર વગેરે ક્ષેત્રોમાં સર્જન કરનાર આ સર્જકનું નોંધપાત્ર પ્રદાન નવલકથામાં છે.
નવલકથા લેખનમાં એમનો ઉર્ધ્વગામી વિકાસ દેખાય છે. આ પૈકી 'સમયદ્વીપ'માં બ્રાહ્મણ કથાનાયક નીલકંઠના આધુનિક યુવતી નીરા સાથેના લગ્ન પછી સર્જાતો મૂલ્યસંઘર્ષ અને મનોસંઘર્ષ કેન્દ્રમાં છે, “ઉધ્વમૂલ’, ‘અસૂર્યલોક' દીર્ઘ નવલકથાઓ છે. એમની કલ્પનાનિષ્ઠ શૈલી પ્રભાવક નીવડે છે.
અશોક હર્ષ
પરિચય
અશોક રતનસી હર્ષ (૨૭-૯-૧૯૧૫)
વાર્તાકાર, ચરિત્રકાર, પધકાર, અનુવાદક.
જન્મ વતન અને પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ મુંદ્રામાં. મેટ્રિકના વર્ષમાં અભ્યાસ છોડી સ્વાતંત્ર્ય-આંદોલનમાં જોડાયેલા. પત્રકારત્વ મુખ્ય વ્યવસાય.
૧૯૫૩માં કુમારચંદ્રક પ્રાપ્ત.
એમના નવલિકાસંગ્રહોમાં મૌલિક અને અનુદિત વાર્તાઓ સંગ્રહિત છે. મુખ્યત્વે સાહસકથા અને વિજ્ઞાનકથાઓમાં માનવમનની વિલક્ષણતાઓને સહજ રીતે પ્રગટ કરે છે.
વિદેશી કૃતિઓના સાર ગુજરાતીમાં સરળ ભાષામાં મૂકી આપીને પણ તેમણે મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે.
અનિરુધ્ધ બ્રહ્મભટ્ટ
પરિચય
અનિરુદ્ધ લાલજી બ્રહ્મભટ્ટ (11-11-૧૯૩૫, ૩૧-૭-૧૯૮૧)
વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક.
જન્મ પાટણમાં. શાળાશિક્ષણ વડોદરામાં. ૧૯૫૮માં ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ., ૧૯૬૦માં એ જ વિષયોમાં એમ.એ. ૧૯૫૯થી ડભોઇની આર્ટસ કૉલેજમાં અધ્યાપન. ત્યારબાદ બીલીમોરાની કૉલેજમાં પ્રાધ્યાપક.
૧૯૬૮થી ગુજરાત યુનિવર્સિટીના ભાષાસાહિત્યભવનમાં ગુજરાતીના રીડર. ‘ભૂમિકા’ અને ‘કિમપિ' સામયિકના તંત્રી. સારા શિક્ષક અને પ્રભાવક વક્તા, લ્યુકેમિયાથી અમદાવાદમાં અવસાન.
આધુનિક સાહિત્ય અને વિશ્વસાહિત્યની સંપ્રજ્ઞતા સાથે વિવેચન ક્ષેત્રે સુરેશ જોષી પછી જે તાજગી આવી તેમાં આ લેખકે સ્વરૂપની શુદ્ધતાને અનુલક્ષીને સુશ્લિષ્ટ ને સમતોલ વિવેચન આપવાનો પ્રયત્ન કર્યો છે. મૃત્યુના સંવેદનોનો પાસ પામેલી એમની કાવ્યરચનાઓમાં આગવી મુદ્રા ઉપસે છે.
બાલમુકુંદ દવે
પરિચય
બાલમુકુન્દ મણિશંકર દવે (૭-૩-૧૯૧૬, ૨૮-૨-૧૯૯૩)
જન્મ વડોદરા જિલ્લાના મસ્તુપુરામાં.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અનુક્રમે મસ્તુપુરા-કુકરવાડાની ગુજરાતી સરકારી શાળામાં અને વડોદરાની ગ્રીસયાજી હાઇસ્કૂલમાં. મેટ્રિક થઈ ૧૯૩૮માં અમદાવાદ આવી શરૂઆતમાં સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલયમાં કામ કર્યા બાદ થોડો વખત પત્રકારત્વ ક્ષેત્રે કામગીરી બજાવી ‘નવજીવન’માં જોડાયા.
ત્યાંથી ત્રણેક દાયકે નિવૃત્ત થઈ નવજીવન પ્રકાશિત ‘લોકજીવન'નું સંપાદન કાર્ય કર્યું. ૧૯૪૯માં કુમારચન્દ્રક.
બાળપણમાં માણેલું પ્રકૃતિસૌંદર્ય, દાદીમાના પ્રભાતિયાં તેમ જ લગ્નગીતોનું શ્રવણ તથા ચિંતનાત્મક ને પ્રેરક સાહિત્યનું વાચન, બુધસભા અને કવિ વેણીભાઈ પુરોહિતની મૈત્રીએ તેમના કવિવ્યક્તિત્વને ઘડવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે.
પ્રકૃતિ, પ્રણય અને ભક્તિ મુખ્ય કવનવિષયો છે, શિષ્ટ પ્રાસાદિક વાણી અને સાચકલી ભાવાનુભૂતિ એમની કવિતાને મનોહારિતા આપે છે.
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો નું લીસ્ટ બહુજ લાંબુ છે. જો આપને કોઈ સાહિત્યકાર વિષે જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરો હું મારી રીતે સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે આપને આપના સાહિત્યકાર વિષે જેટલી શક્ય હશે તેટલી માહિતી જરૂર થી આપીશ.
ગુજરાતી સાહિત્ય અને સાહિત્યકારો નું લીસ્ટ બહુજ લાંબુ છે. જો આપને કોઈ સાહિત્યકાર વિષે જાણવાની ઈચ્છા હોય તો મને કોમેન્ટ કરો હું મારી રીતે સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે આપને આપના સાહિત્યકાર વિષે જેટલી શક્ય હશે તેટલી માહિતી જરૂર થી આપીશ.






No comments:
Post a Comment