Monday, July 16, 2018

સૌમ્ય જોશી

સૌમ્ય જોશી

સૌમ્ય જોશી એ ગુજરાતી ભાષાના કવિ, લેખક, નાટ્યકાર, દિગ્દર્શક અને અભિનેતા છે. તેઓ ગુજરાતી રંગભૂમિમાં તેમના નાટકો વેલકમ જિંદગી અને ૧૦૨ નોટ આઉટ માટે જાણીતા છે. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) પણ મળેલા છે.

જન્મ તારીખ :  3 જુલાઈ 1973

સૌમ્ય જોશીનો જન્મ ૩ જુલાઇ ૧૯૭૩ના રોજ અમદાવાદ, ગુજરાતમાં જયંત અને નીલા જોશીને ત્યાં થયો હતો. ૧૯૯૦માં તેમણે વિજયનગર હાઇસ્કૂલમાંથી પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું. તેમણે ૧૯૯૩માં બી.એ.ની પદવી એચ.કે. આર્ટસ કોલેજ, અમદાવાદ અને ૧૯૯૫માં એમ.એ.ની પદવી ગુજરાત યુનિવર્સિટીના ભાષા ભવનમાંથી અંગ્રેજી સાહિત્ય વિષય સાથે મેળવી.

યુવાનોથી લઈને મોટેરાઓ સુધીમાં સૌમ્ય જોષી એક અભિનેતા અને કવિ તરીકે જાણીતું નામ છે.લેખક,અભિનેતા અને દિગ્દર્શક એવા સૌમ્ય તેમનાં પ્રચલિત નાટકો ‘Welcome Zindgi’ અને ‘102 Not Out’ પહેલાં પ્રાયોગિક નાટકો સાથે સંકળાયેલા હતાં. તેમનાં નાટકોએ અમદાવાદમાં પરમ્પરાગત નાટકોની હારમાળા તોડી નવો ચીલો ચાતર્યો 

સૌમ્ય જોશી લિખિત અને દિગ્દર્શિત ગુજરાતી નાટક 102 નોટ આઉટ પર આધારિત ફિલ્મમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ભૂમિકા ભજવી છે. 102 નોટ આઉટ નામવાળી આ ફિલ્મમાં અમિતાભ પિતાના રોલમાં અને તેમના પુત્રના રોલમાં ઋષિ કપૂર.

અભ્યાસ :


  • પ્રાથમિક શિક્ષણ - વિજયનગર હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૮૭
  • માધ્યમિક શિક્ષણ - વિજયનગર હાઈસ્કુલ, અમદાવાદ - ૧૯૯૦
  • બી.એ. -એચ.કે.આર્ટસ કોલેજ, અમદાવાદ - ૧૯૯૩
  • એમ.એ.(અંગ્રેજી લિટરેચર સાથે) - ગુજરાત યુનિવર્સીટી - ૧૯૯૫

વ્યવસાય :


  • પ્રોફેસર - એચ.કે.આર્ટસ કોલેજ - ૨૦૧૦
  • ૨૦૧૧ થી થિયેટર સાથે જોડાયેલા રહ્યા.

જીવન ઝરમર :

  • ૧૮ વર્ષની ઉંમરમાં કવિતાલેખન શરૂ કર્યું.
  • પ્રથમ કવિતા 'કવિલોક'માં પ્રગટ થયેલ.
  • તેમણે ગુજરાતી નાટ્યમાં "રમી લો ને યાર" થી પ્રારંભ કર્યો.

કાવ્યસંગ્રહ :

  • ગ્રીનરૂમમાં (૨૦૦૮)

નાટકસંગ્રહ :

  • આજ જાને કી જીદ ના કરો
  • જો અમે બધાં સાથે તો, દુનિયા લઈએ માથે

ગુજરાતી થિયેટરમાં કરેલાં કાર્ય :

  • રમી લો ને યાર
  • દોસ્ત ચોક્કસ અહીં એક નગર વસતું હતું.
  • આથમા તારુંનું આકાશ
  • વેલકમ જિંદગી
  • ૧૦૨ નોટઆઉટ
  • મૂંઝારો
  • મહાત્મા બોમ્બ
  • તું તું તું તું તું તું તારા
  • ધારો કે તમે મનજી છો.

સન્માન : 

  • યુવા ગૌરવ પુરસ્કાર - ૨૦૦૭
  • તખ્તસિંહ પરમાર પુરસ્કાર - ૨૦૦૮-૦૯
  • ચં.ચી. મહેતા એવોર્ડ - ૨૦૧૩
  • રાવજી પટેલ એવોર્ડ
  • બળવંતરાય ઠાકોર પુરસ્કાર
  • સદભાવના એવોર્ડ - ૨૦૧૪

ગ્રીનરૂમમાં (૨૦૦૮) તેમનો કાવ્ય સંગ્રહ છે. 

તેમની કવિતાઓ વિવિધ શૈલીની છે. જેવી કે ગઝલ, નઝમ, ગીત અને મુક્ત પદ. તેમજ તે અલગ અલગ વિષયો જેવા કે વેશ્યા, મીરાં દ્વારા તરછોડાયેલા રાણાનું પ્રણયગીત, શિવાકાશીની ફટાકડાની ફેક્ટરીનો એક છોકરો, જેઠા નામનો ભરવાડ, નાની ગરીબ બહેન, તડકામાં ગુણી ઉંચકીને છાંયો શોધતો મજૂર વગેરે. આ પુસ્તક વિવેચનાત્મક રીતે વખાણાયેલું. ગુજરાતી નાટ્ય જગતમાં તેમના યોગદાન માટે તેમને ૨૦૧૩માં ચંદ્રવદન ચીમનલાલ મહેતા પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમને યુવા ગૌરવ પુરસ્કાર (૨૦૦૭) અને તખ્તસિંહ પરમાર પારિતોષિક (૨૦૦૮-૦૯) પણ મળેલા છે.  

ભાષા – સૌમ્ય જોશી

ભાષા નામની આ મારી સંગીની મારી સાથે ત્રણ રીતે વર્તે

(૧)
ક્યારેક,
હું ધીમા તાપે સીઝવા ચડ્યો હોઉં ત્યારે
મેળેથી લાવેલા ઝાંઝરની રૂમઝૂમ વધારતી એ ઉરકવા માંડે બધાં બાકીના કામ.
બ્હારનાં દરવાજા સામે પડતી અંદરની બારી ખોલીને આંકડો ભરાવીને એ કાયમી કરી આપે હવાની અવરજવર.
અંદરની મજૂસ યાદ કરીને એમાંથી કાંસાનાં પવાલાં કાઢે, બાપ-દાદા વખતનાં
ને પછી એમાં ભરી આપે આજ સવારના કૂવાનું પાણી
સંજવારીમાં કઢી આપે ઘણું બધું
કાંકરા ચાળવા ને ચા ગાળવા બેસે
નવેસરથી લીંપી આપે ફરસ
પતરાળી કાઢીને બાજુમાં હાથપંખો મૂકે
ને પછી તુલસીક્યારે પરકમ્મા કરતી રાહ જુએ મારી
હું તૈયાર થાઉં ત્યારે તૈયાર હોય બધ્ધુંય
પછી પાટલો ગોઠવાય
ને ચામડી પર છૂંદેલું મારું નામ મને ચોખ્ખું દેખાય એવા એના હાથે
એ મને પીરસી દે મારી પતરાળીમાં
હું મને ભાવી જઉં એ રીતે

(૨)
તો ક્યારેક,
તોફાની પવને ગાંડા કરેલા ચૂલા પર હું ભડભડ શેકાતો હોઉં ત્યારે
પાલવનો છેડો પદરમાં ખોસીને એ ધબાધબ પગલે ઝડપથી ઉરકવા માંડે બધાં બાકીનાં કામ
છરી –ચપ્પવાળાને રોકી તણખા કરાઈને ધાર કઢાઈ લે.
સજડબમ્બ દસ્તાથી પીસી કાઢે લાલ મરચાં,
આંખ બાળે એવી ડુંગળી ફાડે હાથથી,
ને ઓસરી સૂંઘતા કૂતરાની આંખ ટાંકીને ભગાડવા ઉગામેલા પથરા ઓથે રાહ જુએ મારી
હું તૈયાર થઉં એટલે મને ચૂલેથી ઉતારી લે,
બ્હારી ખોલે ને એમાંથી બહાર નિકાળે મારી વરાળ,
હું સ્હેજ ઠંડો પડું ને ગામ સ્હેજ બફાઈ જાય એ રીતે

(૩)
તો ક્યારેક વળી
બે સસલાં ખાધેલાં અજગરની આળસે એ પડી હોય બાજુમાં ગૂંચળું થઈને.
ઊઠવાનું નામ ના લે,
હું બઉ ઢંઢોળું તો બગાસું ખાઈને બોલે,
‘તારી બંધ મિલ માટે સાઈરન નઈ વગાડું ભઈ,
અત્યારે તું નથી સીઝતો કે નથી શેકાતો
કશું સળગ્યુંય નથી ક્યાંય,
પેટ્યાની હાલત કે પેટાવાની ધગશ વગરનાં તારાં અમથાં નખરાં પાછળ વૈતરાં નઈ કરું હું,
સૂવા દે,
અત્યારે કામ નઈ આવું,
આ મારી સાડીમાં ભરાવેલા વજનદાર ઝૂડામાં ભરાવેલી સહસ્ત્ર ચાવીઓમાં ખાલી ઘરના તાળા માટે એકેય નથી,
એકેય નઈ.

No comments:

Post a Comment