જાંબુઘોડા અભયારણ્ય અને મંદિરનો ઇતિહાસ
ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો અભ્યાસ કરવા આવતા વિદેશી વિદ્વાનો વડ, પીપળો, ખીજડો (શમી), તુલસી જેવી વૃક્ષપૂજા, ગાય, અશ્વ, મગર, વાઘ, હાથીના માથાવાળા ગણેશ અને મંકી ગોડ-વાનર જેવી પશુપ્રાણીઓની પૂજા નિહાળી પ્રભાવિત થાય છે, આશ્ચર્યચકિત થઈ જાય છે, ભાવવિભોર બની તેમના કાયમી ભક્ત બની જાય છે, અને ભારતમાં જ રહી જાય છે. મારી વાતમાં વિશ્વાસ ન પડતો હોય તો પોરબંદર-માધવપુર (ઘેડ) વચ્ચે માધવપુરથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલા મોઆ હનુમાનની જગ્યાની કોઈવાર મુલાકાત લેજો.
અહીં ફ્રાંસનાં એક મહિલા મોઆ હનુમાનની ૩૨ વર્ષથી સેવા-પૂજા ને આરતી કરે છે. મલક એમને સંતોષગિરી માતાજીના નામે ઓળખે છે, ને હવે તો તેઓ કાઠિયાવાડી ભાષામાં વાતો પણ કરે છે.
રામાયણનાં પાનાં બોલે છે કે રામનો રાજ્યાભિષેક થયા પછી પણ હનુમાન તેમની સાથે જ રહ્યા. તેમણે સેવાથી રામને પ્રસન્ન કર્યા. રામે તેમને બ્રહ્મવિદ્યા શીખવી. રામચંદ્રજી નિજધામ જતા હતા તે વખતે હનુમાન સાથે જવા લાગ્યા. ત્યારે રામે ‘આ કલ્પ ના અંત સુધી તારે આ ભૂમિ પર રહેવું’ એવી આજ્ઞા કરી. હનુમાન બહુધા હિમાલયના ગંધમાદન શિખર ઉપર રહે છે. કોઈ કોઈ વખત કંિપુરુષ વનમાં વસે છે, તો કોઈવાર ડુંગર માથે જઈને આસન માંડે છે. એવું એક મંદિર હનુમાનધારાના નામે જાણીતું છે. મંદાકિની નદીના સામે કિનારે હનુમાનધારા નામનો ડુંગર છે. આ ડુંગરાળ પ્રદેશમાં ગીચ જંગલ આવેલું છે. તેમાં વાઘ, ચિત્તા જેવા ભયંકર જનાવરો રહે છે. ટેકરીની પાછળ સાઘુસંતોની ગુફાઓ આવેલી છે. ત્યાં રસ્તાઓ એટલા તો ભૂલભૂલામણીવાળા અને અટપટા છે કે અજાણ્યા માણસો તેમાં અચૂક અટવાઈ જાય છે. હનુમાનધારાનો ડુંગર ચડતાં બસોથી ત્રણસો પગથિયાં માથે હનુમાનજીનું મંદિર આવે છે. એની દંતકથા એવી છે કે જ્યારે સીતાજી ચિત્રકૂટ તરફ પ્રયાણ કરતાં હતાં ત્યારે તેઓએ ભોજન બનાવીને વિશ્રામ કરેલ. આ વાતના સ્મરણમાં ત્યાં નાની સુંદર પર્ણકૂટિ બંધાવેલ છે.
અરણ્યદેવ હનુમાનજીનું બીજું એક મંદિર વન અને ડુંગરની વચમાં ગિરનાર પર આવેલું છે. તે પણ હનુમાનધારાના નામે જાણીતું છે. અહીં હનુમાનજીના મોંમાંથી અખંડ પાણીની ધારા વહે છે. આજે અરણ્ય વિસ્તારમાં વસનારા આદિવાસીઓના આરાઘ્ય વાનરદેવ ઝંડબાપજી અર્થાત્ ઝંડ હનુમાનજીના દેહાણ્ય સ્થાનકની વાત કરવી છે.
વાહન અને વસ્તીથી હાંફતા નગરજીવનના ધાંધલ-ધમાલ અને ઘૂળ-ઘૂમાડાથી તમે થાક્યા હો ને પ્રાકૃતિક સૌંદર્યથી છલકાતા સ્થળે જઈ તમારો થાક થોડોક ઊતારવો હોય તો દ.ગુજરાતમાં આવેલા ઝંડ હનુમાનજીના સ્થાનકની એકવાર મુલાકાત લેવા જેવી ખરી. મને ખબર છે કે તમે તુરત જ બોલી ઉઠવાના કે ‘ભૈ, આ સ્થાનક આવ્યું ક્યાં ? દાદાના દર્શન કરવા હોય તો ક્યાં થઈને જવાય ?’
તો સાંભળો, વડોદરાથી ૯૦ અને પાવાગઢથી ૩૨ કિ.મીટરના અંતરે જાંબુઘોડાના અભયારણ્યમાં ઝંડ હનુમાનજીનું ઓછું જાણીતું સ્થાનક આવેલું છે. વડોદરા જિલ્લાના સંખેડા તાલુકામાં તરગોળ જૂથના આદિવાસી વિસ્તારમાં ઝંડ નામનું નાનકડું ગામ છે. ગામની પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દિશામાં પંચમહાલ જિલ્લાની અને દક્ષિણે વડોદરા જિલ્લાની સરહદો અડે છે. જાંબુઘોડાથી ૧૧ કિ.મીટરનો રસ્તો કાચોપાકો છે. જાંબુઘોડાથી બોડેલી તરફ જતાં મુખ્ય માર્ગ પર ઝંડ હનુમાન ૧૧ કિ.મી.નું પાટિયું આવે છે. ત્યાંથી ચાલતા, વાહન કે બાઈક ઉપર તલાવિયા, રાસ્કા અને લાંભિયા ગામ થઈને ત્યાં જઈ શકાય છે. પાંચેક કિ.મીટરના પાકા રસ્તા પછી ઓબડધોબડ કાચો રસ્તો આવે છે.પરંતુ હવે પાકો રસ્તો પણ બની ગયો છે, અહીંયા એક વખત પ્રવેશો એટલે પ્રકૃતિ સાથે તમારો સંપર્ક જીવંત થઈ જાય છે. ચારે બાજુ વિશાળ પર્વતો, લીલીછમ વનરાજી, શ્રાવણ માસમાં વાદળછાયું વરસાદી મદમસ્ત વાતાવરણ, પ્રકૃતિનો આનંદ માણી રહેલ પશુપક્ષીના મઘુર અવાજો અને જ્યાં સુધી તમારી નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી જ હરિયાળી. ચોતરફ પ્રસન્નપણે પથરાયેલું પ્રાકૃતિક સૌંદર્ય. શાસ્ત્રમાં કહ્યું છે કે તમારે ભગવાનને પામવા હોય ત્યારે મોહ-માયાના બંધન અને ભૌતિક સુખોથી મુક્ત થવું પડે. અહીં રેડિયો પર કોઈ સ્ટેશન કે મોબાઈલ પર કોઈ ટાવર પકડાતા નથી. મારગ માથે કોઈ લારી-ગલ્લા કે હાટડીઓ નથી. કુદરતી વાતાવરણનો આંખોને ઠંડક આપતો અહેસાસ અને માનસિક શાંતિ આપતું ઘનઘોર જંગલનું અફાટ સામ્રાજ્ય.
ઝંડબાપજીના દર્શને જતાં ૧૧ કિ.મીટરના અંતરમાં તમને તળાવ, નાના નાના ઝરણાં જોવા મળશે. તેને ઓળંગીને જવાથી બાળકો સહિત પ્રકૃતિને માણનારાઓને અપાર આનંદની અનુભૂતિ થાય છે. ઝંડ હનુમાન જતા સુધીમાં નવ નવ વાર ખળખળ વહેતાં ઝરણાં આવે. ઝરણાં જોતાં જોતાં, ઝરણાંમાં હાથમોં ધોઈ એ પાણીમાં છબછબિયાં કરતાં કરતાં, વૃક્ષ, વનરાજિ અને લીલાછમ જંગલ ઝાડિયું અને પ્રકૃતિને પામતાં પામતાં ક્યારે ઝંડ હનુમાન પહોંચી જાવ છો એની યે ખબર પડતી નથી.
અહીં હરિયાળી વનરાજિ વચ્ચે બે ડુંગરીઓની સાંકડી ખીણની ડાબી બાજાુએ પચાસ સાઈઠ ફૂટ ઊંચા ડુંગરાના વિશાળ ખડક પર અઢાર ફૂટ જેટલી ઉંચાઈ ધરાવતી ઝંડ હનુમાનજીની નયનમનોહર ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. મૂર્તિના ખભા પાછળ મોટું પૂંછડું દેખાય છે. આ પૂંછડાને ત્યાં વસતા આદિવાસીઓ ‘ઝંડ’ કહે છે. આવું ઝંડ-ઝૂંડવાળું પૂછડું ધરાવતા હનુમાનજી દાદાને તેઓ ઝંડબાપજી તરીકે પૂજે છે. આ ગામનું નામ ‘ઝંડ’ પણ ઝંડબાપજીના નામ પરથી પડ્યું છે તેમ તેઓ કહે છે.
ગુજરાતમાં હનુમાનજીની એકમુખી અને પંચમુખી અસંખ્ય મૂર્તિઓ મળે છે પણ ખડક કોતરીને એક જ પથ્થરમાંથી બનાવેલી ૧૮ ફૂટ ઊંચી આ મૂર્તિ છે. આવી મૂર્તિ અન્યત્ર ક્યાંય જોવા મળતી નથી. દેવમૂર્તિના ડાબા પગ નીચે છએક ફૂટની ઉંચાઈ ધરાવતી પનોતીને દાદાએ દબાવેલી છે. આ વિસ્તારમાં વસતા આદિવાસીઓ કહે છે કે ઝંડદેવની આ મૂર્તિ પાવાગઢના પતાઈ રાવળના સમય પહેલાની છે. ખરેખર તો પાંચસો વર્ષ પૂર્વે હનુમાનજીની આવી મૂર્તિઓ ભાગ્યે જ બનાવવામાં આવતી. ઝંડદેવની મૂર્તિ પરનું તક્ષ્ણકામ જોતાં આ પ્રતિમા બસો અઢીસો વર્ષથી વઘુ જુની હોવાનું પુરાતત્ત્વવિદો માનતા નથી.
ઝંડદેવની મૂર્તિ ભલે બે અઢી દાયકાથી વઘુ પુરાણી ન હોય પણ આ સ્થળ- આ વન મહાભારતના સમય જેટલું પ્રાચીન છે.



Beautiful history
ReplyDelete